ગુજરાતના વિવિધ ઐતિહાસિક, સાંસ્કૃતિક તથા વિકાસના પ્રતિક સમા સ્થળોની મુલાકાત લઈને અમે અત્યંત પ્રભાવિત: કોટન યુનિવર્સિટીની વિદ્યાર્થિની શ્રી બર્મન
ગુજરાતમાં વિદ્યાર્થીઓને ઉત્તમ આતિથ્ય અને ભારતના વૈવિધ્યસભર સંસ્કૃતિની ઝલક જોવા મળી: કોટન યુનિવર્સિટીના વિદ્યાર્થી શ્રી વૈભવ મજૂમદાર
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરણાદાયી અધ્યક્ષતામાં અને આસામ વિધાનસભાના અધ્યક્ષ શ્રી બિશ્વજીત દાઈમારી તથા ગુજરાતનાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે “યુથ ઈમર્સન પ્રોગ્રામ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આસામની પ્રતિષ્ઠિત ગૌહાટી, બોડોલેન્ડ અને કોટન યુનિવર્સિટીના ૨૪ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સાથે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના પોલિટિકલ સાયન્સ, એન્જિનિયરિંગ સહિતના સ્નાતક કક્ષાના લગભગ ૧૦૦ વિદ્યાર્થીઓએ સક્રિય ભાગીદારી કરીને આ કાર્યક્રમને વધુ ઊર્જાસભર બનાવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન આસામની કોટન યુનિવર્સિટીની પ્રતિભાશાળી વિદ્યાર્થિની શ્રી બર્મને પોતાના હૃદયસ્પર્શી પ્રતિભાવો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમે ગુજરાતના વિવિધ ઐતિહાસિક, સાંસ્કૃતિક તથા વિકાસના પ્રતિકસમા સ્થળોની મુલાકાત લઈને અત્યંત પ્રભાવિત થયા છીએ. ગુજરાત સરકાર અને વિધાનસભા દ્વારા અમને આવું અમૂલ્ય અનુભવ કરાવવા બદલ અમે હૃદયપૂર્વક આભારી છીએ. વધુમાં, રાજ્યમાં અમને અત્યંત ઉચ્ચ કક્ષાની સુરક્ષા અને આતિથ્ય મળ્યું છે, જેના પરિણામે અમે સંપૂર્ણ રીતે સુરક્ષિત અને આરામદાયક અનુભવ કરી રહ્યા છીએઆ પ્રસંગે આસામના કોટન યુનિવર્સિટીના વિદ્યાર્થી શ્રી વૈભવ મજૂમદારે ગુજરાત પ્રવાસના અદભુત અનુભવ વિશે જણાવ્યું હતું કે, અમે આસામના જુદી જુદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ગુજરાત પ્રવાસે આવ્યા છીએ. આ પ્રવાસ દરમિયાન તા. ૦૧ જાન્યુઆરીએ શરૂ થયેલા ‘યુથ ઈમર્સન પ્રોગ્રામ’ની ત્રીજી આવૃત્તિ અંતર્ગત અમે ગુજરાતના મહત્વના સ્થળોની શૈક્ષણિક અને પ્રેરણાદાયી મુલાકાત કરી હતી.વધુમાં શ્રી વૈભવે ઉમેર્યું હતું કે, આ સફરની શરૂઆત સ્ટેચ્યુ ઓફ યુનિટીથી થઈ હતી. જ્યાં ભારતની એકતા, સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક સરદાર વલ્લભભાઈ પટેલના સપનાં અને વિકાસના પ્રતિકોનો અમે પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો. આ સ્થળ રાષ્ટ્રીય એકતા અને ભારતના વિકાસની પ્રેરણાનું પ્રતિક છે. વધુમાં અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે માં અંબાના દર્શન કરીને અમે સૌ વિદ્યાર્થીઓએ ધન્યતા મેળવી હતી.આ પ્રોગ્રામ દ્વારા બંને રાજ્યોના યુવાનો વચ્ચે લોકશાહી પ્રક્રિયા, સંસદીય વ્યવસ્થા, સાંસ્કૃતિક વિવિધતા તથા વિકાસના માળખાની સમજ વધારવાનો ઉમદા હેતુ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ભારતના યુવાઓને એકબીજા સાથે જોડીને વડાપ્રધાનશ્રીના “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પને મજબૂત કરવાનું મહત્વનું પગલું ગણી શકાય છે.ગુજરાત વિધાનસભા આવા પ્રેરણાદાયી કાર્યક્રમો દ્વારા યુવા વર્ગને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો સાથે જોડવા અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરવાનું સતત પ્રયાસ કરી રહી છે.
જીગર બારોટ/પ્રિન્સ ચાવલા