become an author

[aioseo_breadcrumbs]

મતદારોની સુગમ વ્યવસ્થાનું રખાય છે ખાસ ખ્યાલ

મતદારોની સુગમ વ્યવસ્થાનું રખાય છે ખાસ ખ્યાલ

ગત અંકમાં આપણે આદર્શ આચાર સંહિતા વિશે સમજ્યા. ચૂંટણી સંબંધિત શબ્દાવલી ભાગ-3માં ચાલો એક પગલું આગળ વધીએ, અને મતદારોની સુગમ વ્યવસ્થા અંગે સમજવાનો પ્રયાસ કરીએ. મતદારોને મતદાન કરવા જાગૃત કરવા એ સરકારી તંત્રનું સૌથી અગત્યનું પાસું છે. ચૂંટણીને લગતી સમગ્ર પ્રક્રિયા ત્યારે જ સાર્થક ગણાય જ્યારે ૧૦૦ ટકા મતદાન થાય.ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર હંમેશા સુસજ્જ છે. મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સર્વવિદિત છે. સાથોસાથ, વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. ત્યારે ચૂંટણી જાહેર થવા પહેલા અને પછી ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે.યુવા મતદાર હોય કે શતાયુ કે દિવ્યાંગ મતદાર. દરેક મતદાર કોઇ પણ સમસ્યા વગર મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.ચૂંટણી તંત્ર દ્વારા નવા ઓળખકાર્ડ-EPIC માટે અરજી કરનારા મતદારોને સમયસર EPIC કાર્ડ મળી જાય તેની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. નવા મતદારોને પોતાના દેશની પ્રગતિનો ભાગ બનવા મતદાન કરવા ખાસ ઝૂંબેશ રૂપે ઘરે ઘરે જઇ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.લોકસભા ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને નવસારી જિલ્લામાં કુલ-૧૧૧૬ બીએલઓ એટલે બુથ લેવલ ઓફિસર દ્વારા ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવા મતદારોના નામ નોંધણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. બીએલઓની તરીકેની કામગીરી મોટે ભાગે જે-તે વિસ્તાર અનુસાર નજીકની શાળાના શિક્ષકોને આપવામાં આવે છે. જેના પાછળ પણ ખાસ કારણ હોય છે. શિક્ષકોને દરેક નાગરિકો જાણતા હોય છે જેના કારણે ચૂંટણી સંબંધિત કામગીરીમાં વિવિધ ડેટાનું સંકલન કરવામાં સરળતા રહે તેના કારણે શિક્ષકોને પ્રાથમિકતાના ધોરણે બીએલઓની તરીકેની કામગીરી સોંપવામાં આવે છે.નવસારી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ કર્મનિષ્ઠ કર્મચારીઓની સક્રિય કામગીરીના પરિણામે તા.૨૭/૧૦/૨૦૨૩ થી તા.૦૫/૦૧/૨૦૨૪ દરમિયાન ૧૮-૧૯ વયજુથના કુલ-૯૭૮૪ તેમજ ૨૦-૨૯ વયજુથના કુલ-૫૧૮૧ એમ તમામ વયજુથના કુલ-૧૯,૮૯૭ મતદારો નવસારી જીલ્લામાં નવા નોંધાયેલ છે.

મતદારોની સુગમ વ્યવ્સ્થાનું રખાય છે ખાસ ખ્યાલ

ચૂંટણી પ્રક્રિયા યાદગાર અને કોઇ પણ સમસ્યા રહિત બની મતદાન સંપુર્ણ થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેક સુગમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે. જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાય છે.
આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની દ્વારા આપવામાં આવતી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID (UDID) કાર્ડ તથા બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી થયેલી હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરી શકે છે.

KYC, Saksham તથા VHA જેવી એપ્લીકેશન્સ છે દરેક મતદારો તેમજ ઉમેદવારો માટે ઉપયોગી

નવા મતદારોમાં ચૂંટણી કાર્ડ અંગે, મતદાર યાદીમાં નામ અંગે તથા મતદાન મથક અને બૂથ લેવલ ઓફિસર (BLO) જેવા ઘણા પ્રશ્નો ઉદભવતા હોય છે. ECI દ્વારા મતદારો તેમજ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની એપ્લીકેશન્સ ઉ૫લબ્ધ કરાવવામાં આવેલ છે. જે પૈકી KYC, Saksham, તથા VHA જેવી એપ્લીકેશન્સ દરેક મતદારો તેમજ ઉમેદવારો માટે ઉપયોગી સાબીત થાય છે. આજના ટેકનોલોજીના યુગમાં આ એપ્લીકેશન તમારા મોબાઇલમાં હોવી જરૂરી છે.

વરીષ્ઠ નાગરીકોએ દાયકાઓ સુધી દેશ પ્રત્યે નિભાવી નૈતિક ફરજ

ભારતની ગૌરવશાળી લોકશાહીના જતનમાં ભાગીદાર થનાર મતદારો એટલે વરીષ્ઠ નાગરીકો. આ જાગૃત મતદારોએ દાયકાઓ સુધી દેશ પ્રત્યે નૈતિક ફરજના ભાગરૂપે આજ દિન સુધી વણચુક્યે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જેના કારણે ભારત દેશની લોકશાહીને સમગ્ર વિશ્વમાં અનેરૂ માન મળ્યું છે.આ વરીષ્ઠ નાગરીકોને તેમની શારીરિક અશક્તતાના કારણે મત આપવામાં પડતી અગવડતાને દૂર કરવા ભારતના ચૂંટણી પંચ દ્વારા કેટલીક ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં ઘર બેઠા બેલેટ પેપર દ્વારા મતદાન આપી શકે છે. મતદાન મથક ઉપર આવતા વરિષ્ઠ નાગરીકો માટે મતદાન પ્રક્રિયા સુલભ અને સુગમ બની રહે તે માટે વાહન, વ્હીલચેર સહિત સહાયકની પણ વ્યવસ્થા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવે છે. આ સાથે ચૂંટણીઓને ભાગીદારીપૂર્ણ અને સર્વસમાવેશી બનાવવાની સાથે મતદારોને ચૂંટણી સેવાના ભાગરૂપે પીવાનું પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

પોસ્ટલ બેલેટ/ટપાલ પત્ર એટલે શું?

સમગ્ર મતદાન પ્રક્રિયા માટે ઉપયોગી એવા તમામ પ્રકારના વૈધાનિક તથા બિન વૈધાનિક ફોર્મ્સ રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા અંગેજી અને રાજ્ય ભાષામાં જિલ્લા ચૂંટણી તંત્રને ઉપલબ્ધ કરાવવામાં આવતા હોય છે. જેમાંથી એક મહત્વનું ફોર્મ છે- ફોર્મ-12 D. ટપાલ પત્ર એટલે પોસ્ટલ બેલેટ. પોસ્ટલ બેલેટથી મતદાન કરવા ઇચ્છતા ગેરહાજર મતદારે જરૂરી દસ્તાવેજો સાથે ચોક્કસ સમય ગાળામાં ફોર્મ ભરીને જિલ્લા ચૂંટણી તંત્રને આપી દેવાનું હોય છે.અહિં ગેરહાજર એટલે એવુ ના સમજતા કે કોઇ પણ મતદાર જે મતદાન મથકે જવા ના ઇચ્છતો હોય તે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે ! અહિં ગેરહાજર એટલે ચૂંટણી પ્રક્રિયામાં કામગીરીના ભાગરૂપે મતદાનના દિવસે પોતાના મતવિસ્તારમાં હાજર ન રહી શકનાર કર્મચારી. ચૂંટણી પંચ પહેલાથી જ ચૂંટણી ક્ષેત્રેમાં ટપાલથી મત આપનારાઓની સંખ્યા નિર્ધારીત કરી લે છે.ચૂંટણી પંચ દ્વારા સરકારી તંત્ર સાથે જોડાયેલા તમામ મતદારો, વીજળી વિભાગ, બી.એસ.એન.એલ., રેલવે, દૂરદર્શન, ઑલ ઈન્ડિયા રેડિયો, ગુજરાતના આરોગ્ય વિભાગ, ઉડ્ડયન, ગુજરાત રાજ્ય પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, અગ્નિશમન સેવાઓ, ચૂંટણીના દિવસે કવરેજ માટે આવેલા મીડિયાકર્મીઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સેવાઓને આવશ્યક સેવાઓના કારણે મતદાનથી બાકાત ન રહે તેની તકેદારી પણ ચૂંટણી તંત્ર દ્વારા લેવાય છે. આવશ્યક સેવા શ્રેણીમાં સમાવિષ્ટ આ મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટે પાત્ર છે.ફોર્મ-12 D ભર્યા બાદ ચૂંટણી તંત્ર દ્વારા મતદારને ઘરે પોસ્ટ મારફત એક ખાનગી ટપાલ આપવામાં આવે છે જેમાં ઉમેદવારોના નામો અને તેની બાજુમાં જેને તેઓ મતદાન આપવામાં આવે છે તેના ઉપર ટીક કરી ફરી વળતે ટપાલે બંધ કવરમાં મોકલી આપવાનું હોય છે. આ ઉપરાંત ખાસ કરીને પોલીસ અને મીડિયા કર્મીઓ માટે મતદાનના (૦૨) બે દિવસ અગાઉ એક ખાસ પોસ્ટલ બેલેટ મતદાન મથક એટલે કે ફેસિલિટી સેન્ટર ઉભું કરવામાં આવે છે. જેમાં ફોર્મ-12 D ભરેલા તમામ મતદારો પોસ્ટલ બેલેટ જમા કરાવી મતદાન કરી શકે છે. આમ આ થયું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન.અહિ રસપ્રદ બાબત એ છે કે, મતગણતરીના દિવસે સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવે છે. ત્યાર બાદ ઈવીએમના મતોની ગણતરી થાય છે. હવે સવાલ એ છે કે, પોસ્ટલ બેલેટની ગણતરી સૌથી પહેલાં કેમ થાય છે? સરળ ભાષામાં સમજીએ તો, પોસ્ટલ બેલેટ પેપર હોવાના કારણે સંખ્યા ઓછી હોય છે. અને તેને ગણવામાં સરળતા રહે છે. ખરાખરીના ખેલમાં પોસ્ટલ બેલેટના મત નિર્ણાયક બની જાય છે.ગત લોકસભાની ચૂંટણી-૨૦૧૯માં નવસારી જિલ્લામાં ૪૯૩૭ મતદારોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. આ વર્ષ નવસારી જિલ્લામાં અંદાજિત ૧૫૦૦૦ મતદારોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરશે.આમ, ચૂંટણી પ્રક્રિયામાં લાખોની સંખ્યામાં કર્મનિષ્ઠ અધિકારી-કર્મચારીઓ જોડાય છે, અને કરોડો જાગૃત મતદારો મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને છે. જેના કારણે જ ભારતની ચૂંટણી પ્રક્રિયાને વિશ્વની સૌથી મોટી ચૂંટણી માનવામાં આવે છે. આ પ્રક્રિયાને સફળતાપુર્વક પાર પાડવું એક જંગ જીતવા સમાન છે જેના માટે સમગ્ર સરકારી તંત્રની સરાહના કરવી પડે.

 

lokrakshak
Author: lokrakshak

0
0

RELATED LATEST NEWS