૭૫માં જિલ્લા કક્ષાના વનમહોત્સવની ઉજવણી:
નવસારી જિલ્લો
ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરીએ-મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયા
નવસારી જિલ્લામાં ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી આજે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચશિક્ષણના મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને દિનકરભવન મજીગામ, ચીખલી ખાતે યોજાયો હતો.અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ભારતનાં પ્રથમ કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુન્શીનું સ્મરણ કરી તેઓ દ્વારા આરંભાયેલ આ મુહિમને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા હાલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગળ ધપાવી રહ્યા છે એમ ઉલ્લેખ કર્યો હતો.તેમણે પ્રવર્તમાન સમયમાં વધતા ઉદ્યોગ અને રોજગાર ધંધાઓને લઈને પર્યાવરણને જે નુકશાન થાય છે. તેમાં સુધારો કરવો અત્યંત જરૂરી બન્યો છે એમ જણાવી નવસારી જિલ્લામાં સામાજીક વનીકરણ વિભાગ તરફથી નવસારી જિલ્લામાં જુદી જુદી યોજનાઓ હેઠળ ૪૧૫ હેકટરમાં છે. ૧૧.૫૦ લાખ જેટલા રોપાઓ વાવેતર કરવામાં આવ્ય છે જે ખુબ સારી બાબત છે એમ ઉમેર્યું હતું. મંત્રીશ્રી આપણી સંસ્કૃતિમાં ઝાડને દેવ, વાયુને દેવ, પૃથ્વીને માતા ગાયને માતા, નદીને માતા તરીકે પૂજવામાં આવે છે. વૃક્ષએ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. આપણી સંસ્કૃતિ એ આપણી વિરાસત છે. તેમણે પર્યાવરણ સાથે આત્મીયતા કેળવી જે પ્રમાણે પર્યાવરણ કોઈ સાથે ભેદભાવ કરતા નથી તેવા જ પ્રકારે આપણે સૌ એક છીએ એમ સમજ કેળવી હતી. તેમને પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવા પેશ્નો અંગે ગંભીરતા પૂર્વક વિચાર કરવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ પ્રત્યેક નાગરિક પર્યાવરણ જાળવણી પ્રત્યે જાગૃત થાય અને ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ 365 દિવસ વૃક્ષની જાળવણી કરી વન મહોત્સવને સાર્થક કરે એમ અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇએ વન્ય પ્રાણીઓ પ્રત્યે દયા ભાવના કેળવી તેઓ સાથે જીવતા શીખવા અનુરોધ કર્યો હતો. તેમણે પર્યાવરણ સંરક્ષણ અને સૌવર્ધન માટે સૌને જાગૃત બનવા આપીલ કરી હતી. ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી પાંચમી જુને ” એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આપણા નવસારી જીલ્લામાં ચાલુ વર્ષે અંદાજીત ૨૦ લાખ જેટલા રોપાનું વાવેતર અને વિતરણ કરવામાં આવેલ છે જે ખરેખર સરાહનિય છે. તેમણે આજે વિશ્વ સિંહ દિવસ છે એમ સૌને યાદ અપાવી પ્રકૃતિના ખોળામા રહેતા આદિવાસી બાંધવોને અનુરોધ કરતા ઉમેર્યું હતું કે, આપણે જળ જંગલ જમીનથી જોડાયેલા છે ત્યારે આપણે પર્યાવરણની જાળવણી કરવા સક્રિય પગલા લેવા જરૂરી છે એમ જણાવ્યું હતું. તેમણે સૌને પોતાના ખાસ દિવસોએ પોતાના સ્વજનોની યાદમાં વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી સામાજીક વનીકરણ વિભાગ ભાવના દેસાઇએ સ્વાગત પ્રવચન થકી વન મહોત્સવનું મહત્વ સમજાવી સૌ પ્રકૃતિ પ્રેમી નવસારીવાસીઓને વધુમં વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવવામાં ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમમાં નર્સરી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ તથા પર્યાવરણ જળવણી કરતી સંસ્થાઓને નાગરિકોણે પ્રશસ્તી પત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા.કાર્યક્રમના અંતે પર્યાવરણ જળવણી માટેની પ્રતિજ્ઞા લઈ સૌ કોઈ કેમ્પસમાં વૃક્ષારોપણમાં જોડાયા હતા. અને મહાનુભાવોએ એક પેડ માં કે નામ અભિયાનની વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ જિલ્લા કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગ્રે, વલસાડ ઉત્તર વનવિભાગના નાયબ વન સંરક્ષક શ્રી નિશા રાજ સહિત મહાનુભાવો, પર્યાવરણ પ્રેમી નવસારીવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.